આદિવાસી મેળા - સંસ્કૃતિ અને ઉત્સવ
ગોળ-ગધેડા નો મેળો:
હોળી પછી આ મેળો ભરાય છે. આ મેળો પંચમહાલ જીલ્લા ના આદિવાસીઓ માં ખુબ જ લોકપ્રિય છે. આ મેળા માં જુવાન છોકરા અને છોકરીઓ પોતાના મનપસંદ સાથીદાર ને લગ્ન માટે પસંદ કરે છે
આ મેળા માં લગ્નવાંછુ યુવકો અને યુવતીઓ પોતાનું પરંપરાગત ભીલી નૃત્ય કરે છે. ચોકમાં વચ્ચો-વચ વાંસ ની ઉપર નાળીયેર અને ગોળની પોટલી બાંધવામાં આવે છે જેની આજુબાજુ કન્યાઓ નૃત્ય કરે છે અને આદિવાસી યુવાનો આ નાળીયેર અને ગોળ પાડવાનો પ્રયત્ન કરે છે. જોકે આ સમયે આદિવાસી કન્યાઓ નૃત્ય દ્વારા અંતરાયો ઉભા કરી યુવાનો ને વાંસ સુધી પહોંચતા અટકાવે છે.
પ્રાચીન સમયમાં જે યુવાન પોતાના પ્રયત્નો દ્વારા વાંસ સુધી પહોંચી ને નાળીયેર અને ગોળ મેળવી લેતો તેને પોતાની મનપસંદ યુવતી લગ્ન માટે પસંદ કરવાનો અધિકાર મળતો .
આમ આ મેળા માં કન્યા પસંદ કરવા માટેની તક મળતી હોવાથી આદિવાસીઓમાં ખુબ જ લોકપ્રિય બનેલ. ગોળની પોટલી મેળવવામાં આદિવાસી યુવાનને ગધેડા જેટલો માર પડતો હોવાથી આ મેળાને ગોળ-ગધેડાનો મેળો કહેવાય છે.
ચિત્ર-વિચિત્ર નો મેળો :
આ મેળો પણ હોળી પછી સાબરકાંઠા જીલ્લાના પોશીના ગામે (ગુણભા-ખરી) ભરાય છે. આ મેળો સાબરકાંઠા અને રાજસ્થાન ની સીમા પરના ભીલ (ગરાસીયા) આદિવાસીઓનો સમુહમાં એકઠા થવા માટેનો મેળો છે જેમાં નૃત્ય અને ધાર્મિક માન્યતાનો સમન્વય જોવા મળે છે. ચિત્ર-વિચિત્ર નું નામ મહાભારત કાળથી જાણીતું છે, બન્ને શાંતનું રાજાના સંતાનો હતા અને ચામડીના રોગ થી પીડાતા હતા. આ જગ્યાએ, સાબરમતી નદીમાં સ્નાન કરી ચિત્ર -વિચિત્રએ પોતાના રોગમાંથી મુક્તિ મેળવી હોવાની માન્યતા આજપર્યંત પ્રચલિત છે.
આ મેળા માં આમતો સ્નાનનો મહિમા છે જે હોળી બાદ કરવામાં આવે છે. સામુહિક સ્નાન એ ભારતીય પરંપરા નું આગવું સામાજિક લક્ષણ છે જે સૌથી પ્રાચીન સિંધુ સભ્યતામાં પણ જોવા મળે છે.
ચુલનો મેળો :
હોળી બાદ પંચમહાલ, ભરૂચ અને વડોદરા જીલ્લામાં આ મેળો આદિવાસી વિસ્તારોમાં ભરાય છે. જેમાં ચુલ એટલે મોટો ચૂલો જેમાં અંગારા પર આદિવાસી લોકો સાતવાર ચાલે છે અને પોતાની અગ્નિ દેવતા પ્રત્યેની શ્રધ્ધા વ્યક્ત કરે છે.
આ પ્રક્રિયાને અંતે જેમ હોળીમાં કરવામાં આવે છે તેમ અંગારાની આજુબાજુ પાણીની ધાર આપવામાં આવે છે અને અગ્નિ દેવતાને નાળીયેર પધરાવવામાં આવે છે.
કવાંટનો મેળો:
કવાંટનો મેળો એ છોટા ઉદેપુર વિસ્તારના રાઠવા સમુદાયના આદિવાસીઓનો મેળો છે જે હોળી બાદ કવાંટ નામના ગામમાં ભરાય છે. આ મેળા માં ઢોલ અને જુદા જુદા પ્રકારના સંગીતના તાલે આદિવાસી નૃત્ય જોવા મળે છે. આદિવાસીઓ માથા પર મોરપિચ્છની કલગી ભરાવી પોતાનો પક્ષીઓ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરે છે. આ નૃત્ય માં મુખ તેમજ શરીર પર ખુબજ વૈવિધ્યપૂર્ણ ચિત્રકામ કરેલ હોય છે જે કથકલી નૃત્ય સાથે તેની એકરૂપતા દર્શાવે છે.
ઢોલ મેળો :
દાહોદ ભીલ સુધારણા મંડળ દ્વારા દાહોદમાં છેલ્લા પાંચ – છ વર્ષથી ઢોલ મેળા નું આયોજન કરવામાં આવે છે. જેના અંતર્ગત જુદા જુદા વિસ્તારમાંથી આદિવાસીઓ પરંપરાગત ઢોલ, થાળી, ઘુઘરા જેવા વાધ્યો વગાડતા વગાડતા દોહોદમાં ભેગા થાય છે. આ મેળા નો ઉદેશ્ય આદિવાસી સંસ્કૃતિમાં નૃત્ય અને ઢોલ ની પરંપરા ને લુપ્ત થતી બચાવવાનું છે.
આ પણ વાંચો : International day of the world's indigenous people” એટલે “વિશ્વ આદિવાસી દિવસ”
આ પણ વાંચો : આદિવાસી મેળા
આ પણ વાંચો : સંસ્કૃતિ અને ઉત્સવ
આ પણ વાંચો : 9 ઓગષ્ટે વિશ્વ આદિવાસી દિવસ કેમ ઉજવાય છે?
સૂચનાઓ મેળવવા માટે : વોટ્સઅપ ગ્રુપમાં જોડાવ
कोई टिप्पणी नहीं