વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ફક્ત ફેસબુક ઉપર પોસ્ટ મુકવા કે સરકારી વાહવાહી કાર્યક્રમો કરવા માટે નથી
"હુલ ઝોહાર"
વિશ્વ આદિવાસી દિવસ
બીજા વિશ્વયુદ્ધ પછી દુનિયાના લગભગ તમામ દેશ ખુવાર થઈ ચુક્યા હતા આથી આખી દુનિયામાં શાંતિની સ્થાપના કરવા માટે તેમ જ વિશ્વના તમામ દેશો વચ્ચે મિત્રતાપુર્ણ સંબંધ બનાવવા માટે તેમજ એકબીજાના રાષ્ટ્રોનાં અધિકાર અને સ્વતંત્રતાને આગળ વધારવા માટે, વિશ્વમાંથી ગરીબી નાબુદ કરવા માટે તેમજ સમગ્ર દુનિયામાં શિક્ષણ અને સ્વાસ્થ્યનો વિકાસ કરવાના ઉદ્દેશથી 24/ઓક્ટોબર/1945 ના રોજ “સંયુક્ત રાષ્ટ્ર સંઘ” એટલે કે “યુનાઈટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન” “UNO”ની સ્થાપના કરવામાં આવી. જેમાં અમેરિકા રુસ, ફ્રાંસ, બ્રિટન, ભારત સહિત દુનિયાના 192 દેશ UNO સાથે જોડાયેલા છે.
આ “સંયુક્ત રાષ્ટ્ર સંઘ” UNO ની સ્થાપના ના 50 વર્ષ પછી તેને એવું લાગ્યું કે, 21મી સદીમાં વિશ્વના જુદા જુદા દેશોમાં વસવાટ કરતો આદિવાસી સમાજ ગરીબી, નિરક્ષરતા, સ્વાસ્થ્યની અસુવિધા, બેરોજગારી, બાળ મજુરી તેમજ અન્ય સામાજિક સમસ્યાઓનો સામનો કરી રહેલ છે. આમ વિશ્વના આદિવાસીઓની સામાજિક તેમજ રાજકીય સમસ્યાઓને સમગ્ર વિશ્વના ધ્યાન ઉપર મુકવા માટે વર્ષ 1994માં “સંયુક્ત રાષ્ટ્ર સંઘ” UNO દ્વારા દર વર્ષે 09 - ઓગસ્ટના રોજ “International day of the world's indigenous people” એટલે “વિશ્વ આદિવાસી દિવસ” તરીકે ઉજવવાનો નિર્ણય જાહેર કર્યો. આમ, સમગ્ર દુનિયામાં 9મી ઓગસ્ટના રોજ આદિવાસી દિવસ ઉજવવામાં આવે છે.
તમને જાણીને નવાઈ લાગશે કે દુનિયામાં આફ્રિકા પછી સૌથી વધુ આદિવાસીઓ ભારતમાં વસે છે છતા દેશ કે સમાજની મુખ્યધારાથી તે આજની તારીખે પણ અલિપ્ત જ રહેવા પામ્યો છે. દેશના ૧૭ થી વધુ રાજ્યોમાં આદિવાસીની વસ્તી છે છતા તેમનો સંગઠિત અવાજ ન હોવાથી વિકાસની રાહમાં પણ તે સૌથી છેડે છે. તેમની વેશભુષા, કાર્યોને ધ્યાનમાં રાખીને તેમને અલગ અલગ નામોથી ઓળખવામાં આવે છે જેમ કે, વનવાસી, આરણ્યક, લંગોટીયા, ધરતીપુત્ર, ગિરિજન, વનપુત્ર વગેરે. ગુજરાત રાજ્યમાં આદિવાસીની વસ્તી ૧૫ ટકા છે.
ગુજરાત સહીત સમગ્ર દેશના આદિવાસીઓમાં જંગલની જમીનના કાયદા, અનામતનો યોગ્ય અમલ ન થવો, તેમજ શિક્ષણ, બેરોજગારી, આરોગ્ય, પ્રાથમિક સુવિધાઓ, સિંચાઈ પાણી, બાળ મજુરી જેવી અનેક સમસ્યાઓ સામે આદિવાસી સમાજ વર્ષોથી સંઘર્ષ કરી રહ્યો છે. આદિવાસીઓના આટલા મુળ પ્રશ્નો તો હતા જ પણ હમણા હમણા નકલી આદિવાસી પ્રમાણપત્રના કારણે આદિવાસી સમાજમાં ખુબ જ આક્રોશ અને નારાજગી પણ જોવા મળે છે. આદિવાસી યુવાનો જંગલોમાં કે અંતરિયાળ ગામડાઓમાં રહીને માંડ માંડ અભ્યાસ કરે પરંતુ નકલી આદિવાસી સર્ટીફીકેટનાં કારણે અનુસુચિત જનજાતિની અનામત બેઠકનું મેરીટ ઊંચું જવાથી આદિવાસી બાળકોને શિક્ષણ અને નોકરીમાં અન્યાય થાય છે એવી ગુજરાત અને મહારાષ્ટ્રનાં આદિવાસીઓમાં નારાજગી જોવા મળે છે.
આદિવાસીઓ સમાજની મુખ્ય ધારાથી ઘણા દુર છે. તેઓ જળ, જમીન, જંગલનાં માલિક અને સંરક્ષક છે ત્યારે તેઓ પ્રકૃતિ પુજામાં વધારે માનતા હોય છે. આમ, આદિવાસી સમાજમાં શિક્ષણનું પ્રમાણ ન હોવાના કારણે તેમજ અનામત નીતિનો અમલ ન થતો હોવાના કારણે રાજ્યની યુનિવર્સિટીઓમાં, કેન્દ્રીય શિક્ષણ સંસ્થાનમાં, પ્રચાર માધ્યમોમાં, નેશનલ અને પ્રાદેશિક મીડિયામાં, ન્યાયતંત્ર વગેરેમાં આદિવાસી સમાજની હાજરી બિલકુલ નહીવત સમાન છે. કોઈપણ સરકાર સરકાર વેપારીઓ તેમજ ઉદ્યોગગૃહોનું સાંભળે છે કેમ કે તેની પાસે ચુંટણી ફંડ છે પણ આદિવાસીઓ પાસે મુડી નથી એટલે તેમના અવાજનું જે વજન હોવું જોઈએ તે સરકારમાં પડતું નથી. રાજકીય પાર્ટીઓમાં પણ આદિવાસી નેતાઓની પણ તેમની પાર્ટીમાં તેમનું કોઈ સાંભળતું નથી કેમ કે તેમની ચૂંટણી ફંડ ભેગું કરવાની ક્ષમતા અત્યંત મર્યાદિત છે.
વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ફક્ત ફેસબુક ઉપર પોસ્ટ મુકવા કે સરકારી વાહવાહી કાર્યક્રમો કરવા માટે નથી
પરંતુ વર્ષો વર્ષ માટે સમગ્ર વિશ્વના આદિવાસીઓની સ્થિતિ પ્રજા સમક્ષ મુકવા માટે અને એ સ્થિતિને વધુ બહેતર બનાવવાનો સહિયારો પ્રયાસ કરવા માટે છે.
આજે જો ગુજરાતની વાત કરીયે તો આદિવાસી વિસ્તારોમાં શિક્ષણ, આરોગ્ય અને રોજગારની સમસ્યાનાં કારણે મોટા પાયે આદિવાસી સમાજનું સ્થળાંતર થયું છે. અમદાવાદ, વડોદરા સુરત જેવા શહેરોમાં તેમજ સૌરાષ્ટ્રનાં ગામડાઓમાં ખેતી મજુરી કરવા જવું પડે છે. જ્યાં તેમના બાળકોને શિક્ષણ મળતું નથી, સ્વચ્છ હવા, પાણી અને રહેઠાણની પ્રાથમિક સુવિધા પણ મળતી નથી. સ્થળાંતર થયેલા આદિવાસીઓને સરકારી યોજનાઓનો બિલકુલ લાભ મળતો નથી આમ આદિવાસી સમાજ હજારો પ્રશ્નોથી ઘેરાયેલો છે ત્યારે આજે સરકાર અને સમાન પ્રજા સહીત તમામ લોકો આ બાબત પ્રત્યે ગંભીરતાપુર્વક વિચારે અને આદિવાસીઓ માટે પુરતી તક મળે તે માટે સહિયારા પ્રયાસ કરીયે તો જ આદિવાસી દિવસ સાર્થક બને.
આ પણ વાંચો : International day of the world's indigenous people” એટલે “વિશ્વ આદિવાસી દિવસ”
આ પણ વાંચો : આદિવાસી મેળા
આ પણ વાંચો : સંસ્કૃતિ અને ઉત્સવ
આ પણ વાંચો : 9 ઓગષ્ટે વિશ્વ આદિવાસી દિવસ કેમ ઉજવાય છે?
સૂચનાઓ મેળવવા માટે : વોટ્સઅપ ગ્રુપમાં જોડાવ
कोई टिप्पणी नहीं